ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજુ કરે.
અત્યાર સુધીમાં 4 વાર 1500થી વધુ કેસો નોંધાયા
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં 26 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 70 હજાર 820 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,560ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,302 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.99 ટકાથી ઘટીને 90.93 ટકા થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા છે.
સુપ્રીમ કોર્ટે રાજકોટની આગની ઘટનાની સુઓમોટો નોંધ લીધી
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરીઃ કોઈપણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની એ હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ…. આ તો ખૂબ ગંભીર બાબત છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે SITની રચના કરી છે. DCP મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને SIT તપાસ કરશે. SITમાં ACP અને SOG પીઆઈની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. SITના રિપોર્ટ બાદ આગળની તપાસ પણ કરાશે.