કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે અને એની રસીના હજુ ભલે ઠેકાણાં નથી, પરંતુ મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ તો એક નવું સોપાન ‘વેક્સિન ટૂરિઝમ’ શરૂ કરી દીધું છે.
મુંબઈની એક ટ્રાવેલ કંપનીએ કોરોનાની રસી લેવા માટે એક ટૂર પેકેજ બહાર પાડ્યું છે, જે મુજબ જે કોઈ વ્યક્તિને કોરોનાની રસી લેવા માટે અમેરિકા જવું હશે તેને રૂ. 1.75 લાખના ખર્ચે રસીના ડોઝ સાથે અમેરિકામાં ચાર દિવસના રોકાણની ઓફર થશે.
ટ્રાવેલ કંપનીના ટીઝર મેસેજમાં લખ્યું છે, ‘બી એમન્ગ ધ ફર્સ્ટ ટુ ગેટ કોરોના વેક્સિન’(કોરોના વેક્સિન મેળવનારા લોકોમાં તમે પ્રથમ વ્યક્તિ બનો)’. વ્હોટ્સએપ પર ફરતા આ મેસેજમાં લખ્યું છે, ‘જેવી ફાઈઝર વેક્સિન અમેરિકામાં વેચાણ માટે રજૂ થશે (ટેન્ટેટિવ તારીખ 11 ડિસેમ્બર) તો અમે પસંદગીના કેટલાક વીવીઆઈપી ક્લાયન્ટ્સ માટે રસી ઉપલબ્ધ કરાવવા અમે તૈયાર છીએ.’
આ નવીનતમ ટૂર પેકેજમાં મુંબઈથી ન્યૂયોર્ક આવવા-જવાનું વિમાનભાડું પણ સામેલ છે. ઉપરાંત બ્રેકફાસ્ટ તથા એક વેક્સિન ડોઝ સાથે ત્રણ રાત અને ચાર દિવસનું રોકાણ સામેલ છે. આ વ્હોટ્સએપ મેસેજમાં આપેલો કોન્ટેક્ટ નંબર સતત બીઝી આવી રહ્યો હતો.
ટ્રાવેલ કંપની દ્વારા એક ડિસ્ક્લેમર પણ મેસેજમાં મળે છે અને તેમાં જણાવાયું છે, ‘વેક્સિન ટૂરિઝમ’ વિકસાવી રહ્યા છીએ. અમારી પાસે કોઈ રસી નથી કે અમે રસી બનાવી રહ્યા નથી. અમે જે કંઈ વ્યવસ્થા કરીશું એ અમેરિકન કાયદાઓ અનુસાર રહેશે. અમે માત્ર તમારી જરૂરિયાત પૂરી કરીશું. હાલમાં કોઈ ટાઈમ ફ્રેમનું વચન આપતા નથી. અમે કોઈ એડવાન્સ કે ડિપોઝિટ પણ લઈ રહ્યા નથી. અમે તમારા નામ, ઈ-મેલ, મોબાઈલ, વય, કોઈ શારીરિક સમસ્યા અને પાસપોર્ટ કોપી સાથે રજિસ્ટ્રેશન જ કરી રહ્યા છીએ. બાકીનું બધું જ કામ અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટની અધિકૃત મંજૂરી અનુસાર થશે. જ્યાં સુધી તેઓ અમેરિકન નાગરિકો સિવાયના લોકોને રસીના અધિકૃત વેચાણની ઘોષણા નહીં કરે ત્યાં સુધી અમે તમને રસી આપી શકીશું નહીં.’