અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા

અમદાવાદ શહેરમાં આજે રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવેલા સંપૂર્ણ કર્ફ્યૂને લઈ લોકોમાં રોષ છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે કર્ફ્યૂ લાગુ કરવામાં આવતા શહેરમાં જ માત્ર 1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ છે, જે રદ કરવા પડ્યા છે. અનેક લોકોના ત્યાં આજે મહેમાનો પણ બહાર ગામથી આવી ગયા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા છે ત્યારે કર્ફ્યૂ લાગતાં લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે.

કર્ફ્યૂથી વેડિંગ ઇવેન્ટના વ્યવસાયને અસર થશે
અમદાવાદમાં ક્રિષ્ના ઇવેન્ટથી વેડિંગ ઇવેન્ટ કરતા કવિતા જૈને વાતચીતમાં કહ્યું હતું કે, 8 મહિના બાદ રવિવારથી ફરી લગ્નસરાની સિઝન શરૂ થતાં વેડિંગ ઇવેન્ટનો વ્યવસાય શરૂ થયો છે ત્યારે બે દિવસ સંપૂર્ણપણે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ લાગતાં વ્યવસાયને મોટું નુકસાન જશે. સરકારે આ મામલે પહેલા વિચારવું જોઈએ અને કોઈ અલગ ગાઈડલાઈન અથવા રાતે 10 કે 11 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવવો જોઈએ. રવિવારે મોટી સંખ્યામાં લોકોના લગ્ન છે. તેઓની કંકોતરી છપાઈ ગઈ છે, મહેમાનો આવી ગયા છે, પાર્ટીપ્લોટ બુક થઈ ગયા છે ત્યારે કર્ફ્યૂના કારણે અમે ખુબ જ અસમંજસમાં છીએ.

ક્રિષ્ના ઇવેન્ટથી વેડિંગ ઇવેન્ટ કરતા કવિતા જૈન

અમદાવાદમાં રવિવારે અને ત્યારબાદ ખૂબ જ લગ્નો છે તેમાં ખાસ કરીને 22 તારીખે વધુ લગ્નો છે. ત્યારે નાઈટ કર્ફ્યૂથી લોકોના લગ્ન અટકી પડ્યા છે.શનિવાર અને રવિવારના ખાસ દિવાળી પછીના લગ્ન પહેલા મૂહુર્ત હોવાથી એમના બુકિંગ અને કંકોતરી અપાઇ ગઈ હોવાથી બધા લોકોનું મોટું નુકસાન થશે તો આ બાબતે અમે વેડિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા આ બાબતમાં છૂટછાટ આપવા વિનંતી અને અપીલ કરવામાં આવી છે. સ્પેશિયલ કેસમાં પણ કોઈક છૂટછાટ આપવા વિનંતી કરાઈ છે.

લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી કર્ફ્યૂ લંબાશે તો કેવી રીતે પ્રસંગ યોજાશે
ભડલી નોમ એટલે અષાઢ સુદ નોમ, જે 29 જૂને હતું. ખાસ કરી ઉત્તર ભારતમાં આ દિવસે અનેક લગ્નનાં આયોજન થયા હતા. અખાત્રીજ જેવું આ વણજોયું મુહૂર્ત હતું. જૂન મહિનામાં 15, 25 અને 29 તારીખ, નવેમ્બર-26, 30 અને ડિસેમ્બરમાં 1, 2, 6, 7, 8, 9, 11 તારીખે વિવાહનાં મુહૂર્ત હતા. દરમિયાન 30 જૂનથી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગી હતી.