કંગનાની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. છેલ્લાં કેટલાંય સમયથી દરેક મુદ્દે કંગના પોતાનો અભિપ્રાય આપી રહી છે. કંગનાએ ખેડૂત બિલનો વિરોધ કરનારા પર એક ટ્વીટ કરી હતી. ત્યારબાદ તેની પર ખેડૂતોને આતંકવાદી કહેવા અંગે FIR કરવામાં આવી હતી. આ જ કેસમાં હવે કર્ણાટકમાં વધુ એક FIR કરવામાં આવી છે.
કર્ણાટકના તુમકુર જિલ્લાની એક કોર્ટના આદેશ બાદ પોલીસે કંગના વિરુદ્ધ FIR દાખલ કરી હતી
કોર્ટે આ આદેશ આપ્યો હતો
એડવોકેટ એલ રમેશ નાયક તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસના ક્યાથાસાંદ્રા પોલીસના ઈન્સ્પેક્ટરને કંગના વિરુદ્ધ FIR કરવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદકર્તાએ CRPCની કલમ 155 (3) હેઠળ આવેદન કરીને તપાસની માગ કરી છે.
એડવોકેટ નાયક પણ ક્યાથાસાંદ્રા સાથે સંબંધ ધરાવે છે. નાયકે કંગના વિરુદ્ધ થયેલા ક્રિમિનલ કેસ અંગે કહ્યું હતું કે કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનાર પોલીસ સ્ટેશનને ત્રણ દિવસ પહેલા આદેશ આપ્યો હતો કે એક્ટ્રેસ વિરુદ્ધ FIR કરીને તપાસ કરવામાં આવે.
કેવી રીતે વિવાદ વધ્યો?
ખેડૂત બિલ સંસદમાં પાસ થયા બાદ 21 સપ્ટેમ્બરના રોજ કંગનાએ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે જે લોકોએ CAA પર ખોટી માહિતી તથા અફવા ફેલાવી અને તેને કારણે હિંસા, હવે તે જ લોકો ખેડૂત બિલ પર ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, જેનાથી રાષ્ટ્રમાં ડરનો માહોલ છે. તેઓ આતંકી છે. નાયકે કહ્યું હતું કે અન્નદાતાઓને કંગનાની આ ટ્વીટથી ઠેસ પહોંચી છે. આથી જ તેમણે કંગના વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે મજબૂર થવું પડ્યું.