ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને વિવિધ પ્રકારની અશક્તતા ધરાવતા દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાનનો સરળ વિકલ્પ આપ્યો છે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને વિવિધ પ્રકારની અશક્તતા ધરાવતા(પર્સન વિથ ડિસેબિલિટી-પીડબલ્યુડી વોટર)મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ યુવાનો કરતા પણ વધુ જોવા મળે છે, પરંતુ, ઉંમરની અધિકતા અને શારીરિક ક્ષતિને લીધે ઘણીવાર લાચારીવશ તેઓને મતાધિકાર જતો કરવો પડતો હતો.
કરજણ બેઠક પર ટપાલ મતદાનના વિકલ્પનો સ્વીકાર કરતા અરજીપત્રો ભરવામાં આવી રહ્યા છે
કેન્દ્રીય ચૂંટણી પંચે એસેસિબલ વોટિંગ અને સુરક્ષિત મતદાર, શુદ્ધ લોકતંત્રના સૂત્રને અનુસરીને આવા લોકોને એબ્સેન્ટી વોટરની અલાયદી શ્રેણીમાં મૂકીને ઘેર બેઠા સરળ ટપાલ મતદાનનો વિકલ્પ આપ્યો છે. આ વિકલ્પ અવશ્ય મતદાન અને લોકશાહીની સુરક્ષામાં યોગદાનનો તેમનો જુસ્સો અકબંધ રાખશે. હાલ ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યાં પ્રમાણે 147 કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવાની સાથે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કરજણની કચેરી દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને વિવિધ પ્રકારની અશક્તતા ધરાવતા મતદારો પાસે ટપાલ મતદાનના વિકલ્પનો સ્વીકાર કરતા અરજીપત્રો ભરાવવામાં આવી રહ્યા છે.
ઘરે બેઠા ટપાલ મતદાનની સુવિધા માટે ફોર્મ 12-ડીમાં વિકલ્પ ભરવાનો હોય છે
કરજણ બેઠકના નિર્ધારિત 311 મતદાન મથક ખાતે વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મળીને ઉપરોક્ત શ્રેણીના કુલ 4520 મતદારો નોંધાયેલા છે, તેવી જાણકારી આપતાં ચૂંટણી અધિકારી કે.આર. પટેલે જણાવ્યું હતું કે, આ મતદારોએ ઘરે બેઠા ટપાલ મતદાનની સુવિધા મેળવવા માટે ફોર્મ 12-ડીમાં વિકલ્પ ભરીને નક્કી કરેલી સમય મર્યાદામાં ચૂંટણી તંત્ર સુધી પહોંચાડવાનો છે. જોકે આ શ્રેણીના મતદારો ખુબ સરળતાથી અને ઘરમાં રહીને જ ફોર્મ 12-ડી મેળવી શકે, ભરેલા ફોર્મ પરત આપી શકે, અધિકૃત ટપાલ મત પત્ર મેળવી શકે અને મતદાન કરેલું મત પત્ર બંધ કવરમાં ચૂંટણી તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે પંચે ઘડેલાં નિયમો પ્રમાણેની ચુસ્ત અને સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. તે પ્રમાણે હાલમાં 311 મતદાન મથકો ખાતે નોંધાયેલા ઉપરોક્ત શ્રેણીના 4520 મતદારો સુધી 31 સુપરવાઈઝરી અધિકારીઓની દેખરેખ હેઠળ 246 બી.એલ.ઓ. ના માધ્યમ થી ફોર્મ 12 ડી પહોંચાડવામાં આવી રહ્યાં છે.