સુરતમાં પાલિકાના અધિકારીઓની દંડ કરવાની તાનાશાહી સામે રોષ, પેટિયું રળતા બાળકને 400નો દંડ ફટકાર્યો

કોરોનાની મહામારી વચ્ચે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેસ SOP અને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેના નિયમોના ભંગ બદલ લોકોને દંડ કરવામાં આવે છે. આ દંડ કરવાની જેમને સત્તા આપવામાં આવી છે તે પાલિકાના અધિકારીઓ તાનાશાહી કરતાં હોય તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. વરાછા કતારગામ વિસ્તારના નામે વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે, પાલિકાના અધિકારીઓ દ્વારા લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવવા પેટિયું રળતા 15 વર્ષના બાળકને 400 રૂપિયાના દંડની સ્લિપ પકડાવી દેવામાં આવે છે. જેનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રડતા બાળકને લોકોએ સધિયારો આપીને દંડ કરનારનો વીડિયો શૂટ કરતાં અધિકારીઓ નાસી જાય છે. સાથે જ વીડિયો ઉતારનાર લોકોને જાગૃત થવા અપીલ કરતો જોવા મળે છે.

પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય માણસને કરાતા દંડને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય માણસને કરાતા દંડને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સામાન્ય લોકોને દંડ સામે વિરોધ
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોમાં રોષ ફેલાયો હોવાનું જોવા મળે છે. જાગૃત યુવાન દ્વારા ઉતારવામાં આવી રહેલા વીડિયોમાં સ્થાનિકો કહી રહ્યા છે કે, ગઈકાલે પણ અહિં અધિકારીઓ આવ્યા હતા અને 800 અને 400 રૂપિયાની સ્લિપ આપી ગયા હતાં. આ લોકોને ધંધો કરવો અઘરો થઈ ગયો છે. શાકભાજી અને ફ્રૂટની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતાં દંડની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા બાળકની મદદે સ્થાનિક લોકો આવ્યાં હતાં.

પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા બાળકની મદદે સ્થાનિક લોકો આવ્યાં હતાં.

બાળકની ઈમાનદારી દેખાઈ
વીડિયો ઉતારનાર જાગૃત યુવકે રડતા બાળકને દંડના 400ની જગ્યાએ 500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો તો બાળકે એ લેવાની ના પાડી દીધી હતી. સાથે જ બાળકે એ રૂપિયા કમાઈ લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વીડિયો ઉતારનાર અને સ્થાનિક લોકોએ પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.